યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અગાઉ તેઓ તેમના સમકક્ષ ડૉ. એસ. જયશંકરને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદીને મળ્યા પહેલા પ્રેસ બ્રીફિંગને સંબોધતા રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત મોસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થી કરી શકે છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધીની વાતચીત યુદ્ધને સમાપ્ત કરવાના ઉકેલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. જણાવી દઈએ કે ભારત આવતા પહેલા સર્ગેઈ લવરોવ ચીનની સત્તાવાર મુલાકાતે ગયા હતા.

લવરોવે કહ્યું.”રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદને ઉકેલવા માટે ભારત મધ્યસ્થી કરે તેવી શક્યતાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે ભારત એક મહત્વપૂર્ણ દેશ છે. “જો ભારત એવી ભૂમિકા ભજવવા માંગે છે જે સમસ્યાનો ઉકેલ લાવી શકે.જો આંતરરાષ્ટ્રીય પડકારો પર ભારતની સ્થિતિ ન્યાયી અને સારી રીતે સમજવામાં આવે, તો તે આવી બાબતોમાં સહયોગ કરી શકે છે,”

લવરોવ ગુરુવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા હતા. તેઓએ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી અને ભારત પર યુએસનું દબાણ, વીજળીના ભાવમાં વધારો અને રશિયા પરના પ્રતિબંધો સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી. ભારત-રશિયાના સંબંધો પર અમેરિકાના દબાણની અસર અંગે તેમણે કહ્યું કે તેનાથી ભાગીદારીને અસર થતી નથી. અમારી ભાગીદારી અપ્રભાવિત રહેશે.