આખુ અમદાવાદ શહેર જ્યારે 19 જુલાઈ બુધવારની રાત્રે ગાઢ નિંદ્રામાં સૂતુ હતુ ત્યારે શહેરના ઈસ્કોન પાસે આવેલા બ્રિજ પર ઈતિહાસમાં સૌથી ખતરનાક અકસ્માત સર્જાયો હતો. એક અમીર બાપની ઓલાદે બેફામ સ્પીડમાં ગાડી હંકારી અને 9 લોકોની જીંદગી હણી લીધી હતી. બુધવારની મોડી રાત્રે બનેલી આ ઘટનાથી આખુ અમદાવાદ અને સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યુ હતું. 20 જુલાઈ 2023નો દિવસ ગુજરાતના ઈતિહાસમાં હંમેશા માટે ગોઝારો બનીને રહેશે.

અમદાવાદમાં સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માત બાદ પોલીસ પ્રશાસન અને વહીવટી પ્રશાસન સતર્ક બન્યુ છે. રાજ્યમાં હવે ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી કરવા માટે એક ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવશે. કહી શકાય કે, ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ હંમેશા ઘડાતો હોય છે, અને એવુ જ કંઈક આ વખતે પણ બની રહ્યું છે. બુધવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયા પછી પોલીસ પ્રશાસને સીનસપાટા મારવા મારવા પ્રખ્યાત અને કુખ્યાત ગણાતા સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે વિસ્તારમાં કડક ચેકિંગ શરુ કર્યું હતું.

રાજ્યના ગૃહમંત્રીની ફરી શબ્દોમાં જ આક્રમકતા દેખાઈ
અમદાવાદમાં સર્જાયેલા અકસ્માત બાદ રાજ્યમાં ઓવરસ્પિડમાં ગાડી ચલાવનારા સામે એક ખાસ ઝુંબશે ચલાવવા માટે સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે ટ્રાફિક પોલીસ અને RTOને પણ સૂચના આપવામાં આવી છે.આ તરફ હાઇવે પર લાઇટોના પોલને લઇ માર્ગ મકાન વિભાગને નિર્દેશ અપાયા છે તો સ્ટંન્ટ કરનારાઓ સામે પોલીસને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ માતા-પિતાને બાળકોને સમજી-વિચારીને વાહન આપવાની ચેતવણી આપી છે.

જો સ્ટંટ કરતા ઝડપાયા તો કોઈ છૂટ નહીં મળેઃ સંઘવી
આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,’સ્ટંટ કરતાં બાળકોના પિતા પણ જવાબદાર છે.જો કોઈ બાળક સ્ટંટ કરતા ઝડપાશે તો કોઈ ભલામણ કે છૂટ આપવામાં આવશે નહીં. આવા કિસ્સામાં માતા અને પિતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના રોડ-રસ્તાને રેસિંગ ટ્રેક બનાવાશે તો કાર્યવાહી કરાશે.’

તથ્ય પટેલના જૂના વીડિયો સંઘવીનું નિવેદન
ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસ પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તથ્ય પટેલે અગાઉ પણ અકસ્માત સર્જ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. તેણે થાર કારને એક રેસ્ટોરન્ટમાં ઘુસાડી દીધી હતી. રેસ્ટોરેન્ટ માલિકની અરજી લઈ તથ્ય પટેલ વિરુદ્ધ FIR કરવામાં આવી છે.

જોખમી સ્ટંટબાજોને સંઘવીની ચેતવણી
આ સાથે સંઘવીએ જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું છે કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે. ગૃહરાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સુરતના જિલાની બ્રિજ પર સર્પાકાર મોપેડ ચલાવીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનાર રાંદેરના ત્રણ સગીરો અને તેના પિતા સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે, રાંદેર પોલીસની આ કામગીરી સરાહનીય છે. કારણ કે જોખમી સ્ટંટથી અન્ય નિર્દોષ પરિવારોએ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવ્યા છે અને આજીવન પીડા અને દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. જેથી રાજ્યમાં આ પ્રકારની કડક કાર્યવાહી શરૂ રહેશે.