ભાવનગરઃ તોડકાંડ અને ડમીકાંડનો જે વાયરો થોડા સમય પહેલા ગુજરાતમાં વાયો હતો એ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહના શરતી જામીન મંજૂર કર્યા છે. આપને જણાવી દઈએ કે, રિમાન્ડ પૂર્ણ થયા બાદ 1 મે 2023ના રોજ યુવરાજસિંહને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.
ડમીકાંડમાં તોડકાંડ કરવાનો યુવરાજસિંહ પર આરોપ છે. કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુવરાજસિંહને મુક્ત કરવામાં આવશે. યુવરાજ સિંહ પર આરોપ હતો કે તેણે સાળા મારફતે નાણા ઉઘરાવ્યા હતા. નોંધનીય છે કે 21 એપ્રિલે યુવરાજસિંહની ધરપકડ થઈ હતી. આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહને મળેલા જામીનને ન્યાયની જીત ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ જાડેજા દ્વારા 15 જુલાઈના રોજ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. યુવરાજસિંહના વકીલ જે.એમ.લક્કડ દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે, તેઓ નિર્દોષ છે.
તોડકાંડમાં ભાવનગર પોલીસે આરોબી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતા. આરોપી કાનભા એ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબ્જે લીધા હતા. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, રાજુ, ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીના નામ સામેલ છે. પોલીસે યુવરાજસિંહ જાડેજાના બન્ને સાળા કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ અને શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ તેમજ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી પાસેથી 5-5 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.
અગાઉ પોલીસે કહ્યું હતું કે યુવરાજસિંહે દહેગામમાં આવેલા એક પ્લોટમાં અડધા કરોડ કરતા પણ વધુની રકમનું રોકાણ કર્યું છે. દહેગામમાં ગાંધીનગર-મોટા ચિલોડા રોડ પર વ્રજ ગોપી રેસિડેન્સી નામથી એક રહેણાંક સ્કીમ આવેલી છે. આ સ્કીમમાં યુવરાજસિંહે 29 નંબરનો બંગલો ખરીદ્યો હતો. 3BHK બંગલામાં 150 વારમાંથી 146 વારનું તો બાંધકામ છે. અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ભરતભાઈ દોશી પાસેથી આ બંગલો ખરીદવામાં આવ્યો છે. હાલ બંગલો ભરતભાઈ દોશીના પુત્ર મનન દોશીના નામે છે.
આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહને જામીન મળતા ન્યાયની જીત ગણાવી છે. સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ડમીકાંડનો ખુલાસો કરનાર યુવરાજસિંહને આજે જામીન મળી ગયા છે. અદાલતો હંમેશા ન્યાય કરતી હોય છે. સત્યની જીત થતી હોય છે. પરંતુ જોવાની વાત એ છે કે, અત્યાર સુધી ગુજરાતમાં પેપરલીક કાંડ ચાલતુ હતું. એ પેપરલીકકાંડ બહાર લાવનાર યુવરાજસિંહ પર સરકાર અને તેના મળતીયાઓ અને તોડબાજોની નજર હતી કે કઈ રીતે એને ફસાવી દેવામાં આવે. આ પહેલા પણ ખોટા કેસો કરી યુવરાજસિંહને ફસાવી દેવાની કોશિશ કરવામાં આવી. યુવરાજસિંહ અટક્યા વગર પેપરલીક કાંડમાંથી ડમીકાંડ બહાર લાવ્યા. ડમીકાંડમાં વર્ષોથી ડમી ઉમેદવારો સરકારી ભરતીમાં પરીક્ષા આપતા હતા અને નોકરીએ પણ લાગી જતા હતા. ઘણા તો એવા હતા કે કરાઈમાં 40-40 લાખ રુપિયા આપીને પીએસઆઈની ટ્રેનિંગ સીધી લઈ લેતા હતા. તમારે કોઈ જ પરીક્ષા નહીં આપવાની અને કોઈ પેપરલીક પણ નહીં કરવાનું. આટલા મોટા કૌભાંડો જ્યારે યુવરાજસિંહ બહાર લાવ્યા તો એક કેસ કરી એમને ફસાવી દેવામાં આવ્યા. આજે એમને જામીન મળી ગયા છે. હુ અદાલતની કાર્યવાહીને આવકારુ છુ. પણ આખરે સત્યની જીત થતી હોય છે. અહીં સવાલ એ છે કે, જે ડમીકાંડ સામે આવ્યું તેની તપાસ પોલીસ પણ નથી કરતી અને સરકાર પણ નથી કરતી. તમારી તપાસ ક્યાં પહોંચી. કેટલા લોકો વર્ષોથી કૌભાંડ આચરે છે. પેપરલીક કાંડના કોઈ માથા જેલમાં ન ગયા. અને જેણે ડમીકાંડ કૌભાંડનો ખુલાસો કર્યો એના પર કેસ કરવામાં આવ્યા જેનાથી આ તમામ યુવાનો ભાજપ સરકાર પર ફીટકાર વરસાવે છે.







