સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું હતું. આજે 27 જુલાઈ બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે માત્ર 115 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ભારતે 163 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે વનડે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે બીજી વનડે આ જ મેદાન પર 29 જુલાઈ (શનિવાર)ના રોજ રમાશે.
ભારત તરફથી રન ચેઝમાં ઓપનર ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતા 52 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાને 46 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગા ઉપરાંત એક છગ્ગો ફટકાર્યો. સૂર્યકુમાર યાદવે પણ 19 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર કંઈ ખાસ કરી શક્યા ન હતા. સાતમા નંબરે બેટિંગ કરતા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ભારતને જીત તરફ આગળ વધ્યા હતા.
23 ઓવરમાં વિન્ડિઝ ટીમ ઓલઆઉટ
વિન્ડીઝ તરફથી ગુડાકેશ મોતીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. જ્યારે યાનિક કારિયા અને જેડન સીલ્સે એક-એક વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 23 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત સામેની વનડેમાં વેસ્ટ ઈન્ડિઝનો આ બીજો સૌથી ઓછો સ્કોર હતો. ટીમ તરફથી માત્ર ચાર બેટ્સમેન શાઈ હોપ (43), બ્રાન્ડોન કિંગ (17), શિમરોન હેટમાયર (11) અને એલિક એથાનાઝ (22) બે આંકડા સુધી પહોંચી શક્યા. ભારત માટે ચાઈનામેન બોલર કુલદીપે માત્ર છ રનમાં ચાર વિકેટ લીધી હતી જ્યારે ડાબોડી સ્પિનર જાડેજાએ 37 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર, હાર્દિક પંડ્યા અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની છેલ્લી સાત વિકેટ 26 રનમાં ગુમાવી દીધી હતી.







