ગાંધીનગરઃહાલ તો ગુજરાતનું રાજકારણ ગરમાઈ તેવા સમાચાર સામે આવ્યા છે. પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. ત્યારપછી કોંગ્રેસના ઉમેદવાર હાઈકોર્ટના શરણે પહોંચ્યા હતા. જ્યાં હાઈકોર્ટે ઉમેદવારને રાહત આપતા કોંગ્રેસ તો અત્યારે મોજમાં આવી ગઈ છે.
ઓમદેવસિંહ પહોચ્યાં હતા હાઈકોર્ટ
પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ફોર્મ રદ્દ થતા ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયા હાઇકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં હાઈકોર્ટે ચૂંટણી અધિકારીને આદેશ કર્યો હતો કે પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ઉભા રહેલા કોંગ્રેસ ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયાનું ફોર્મ મંજુર કરો. ફોર્મમાં કોઈ ખામી ન હોવાની ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ નોંધ લીધી હતી.
6 ઓગસ્ટે યોજાશે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, ઓમદેવસિંહ સરવૈયા કોંગ્રેસના કદ્દાવર નેતાઓમાંથી એક છે. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયાને અગાઉ કોઈ કેસમાં સજા હોવાના મુદ્દાના આધારે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું . જો કે હવે હાઈકોર્ટે તેમનું ફોર્મ મંજૂર કરવા આદેશ કર્યો છે. નોધનીય છે કે, 6 ઓગસ્ટે પાલીતાણા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં કોંગ્રેસના ઉમેદવારને આ મોટી રાહત મળી છે.
આ પણ વાંચોઃ હે રામ! મોરારી બાપુના રિપોર્ટ કાર્ડમાં મોદી સરકાર નાપાસ, રાજનીતિમાં રામ નામના ઉપયોગ પર ખુલીને બોલ્યા બાપુ
ભાજપના પ્રેશરથી ફોર્મ રદ્દ થયું
આ ઉપરાંત આ મુદ્દે જ્યારે ઓમદેવસિંહ સાથે વાત કરવામાં આવી તો તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોર્ટના તમામ જજમેન્ટ જોડ્યા હતા, પણ પ્રશાસન પર ભાજપનું પ્રેશર હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેમણે ખુલ્લો આરોપ લગાવ્યો છે કે, ભાજપના પ્રેશરથી જ મારુ ફોર્મ રદ થયું. જેના કારણે હાલ તો રાજકીય વાતાવરણ ગરમાયેલુ જોવા મળી રહ્યું છે. કોર્ટના આદેશ બાદ હવે આગળ શું થશે તે જોવાનું રસપ્રદ રહેશે.







