અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરુ થવાની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ પણ છવાયેલો છે. એવામાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે ત્રણેય રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે કહેર વરસાવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે

અંબાલાલ કાકાની ભયાનક આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરુ થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના હોવાની આગાહી પણ વ્યક્ત કરી છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સાના દરિયા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.

24 કલાકમાં હળવો વરસાદ વરસી શકે
જો કે હવામાન વિભાગ દ્વારા કઈક અલગ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવુ છે કે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. તેમજ આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. જ્યારે 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં ચાલુ સીઝનમાં 85 ટકા ઉપર વરસાદ પડ્યો છે.હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ નથી. અમુક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે. ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી. તેમજ કાલથી વરસાદ ઓછો થવાની સંભાવના છે. અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં હાલ 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. સમગ્ર જીલ્લાઓમાં પણ સારો વરસાદ થયો છે.

ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યું હતું.
વરસાદનાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી તેમજ વલસાડમાં મનમુકીને વરસતા અનેક જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમજ ઘણા ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા. તો ભારે વરસાદનાં કારણે તળાવ, નદી, નાળા તેમજ ડેમો છલકાયા હતા. જ્યારે સૌરાષ્ટ્રનાં જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તેમજ ઘણા વાહનો પણ પાણીમાં તણાઈ ગયા હતા.