સુરતઃ રાજ્યમાં અમીર બાપની બગડેલ ઓલાદો અથવા તો નબીરાઓના પાપે લોકો મોતની છાયા હેઠળ, ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે. શહેરના રાજમાર્ગો પર બેફામ ગાડી હંકારતા નબીરાઓના કારણે અનેક પરિવારોના માળા પીંખાતા હોય છે. તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ એકસાથે અનેક લોકોને પોતાની ઓવરસ્પીડના કારણે કચડી નાંખ્યા. જેમાંથી 9 લોકો સ્થળ પર જ મોતને ભેટ્યા હતા, એવામાં ફરી અમદાવાદ બાદ સુરતમાં પણ એક નબીરાએ નશામાં ધૂત થઈ ગાડી હંકારી 5 લોકોને 20 ફૂટ દૂર સુધી ઢસડ્યાં હતાં.

સુરતના કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને લીધા અડફેટે અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો.કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક ચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતના પગલે લોકોએ કાર ચાલકને માર પણ માર્યો હતો. હાલ તો કાર ચાલક દારૂના નાશમાં હોવાની આશંકા છે.

3 બાઈક સવાર અને 2 રાહદારી અડફેટે આવતા ઈજાગ્રસ્ત
નીતિ નિયમોને નેવે મુકીને ગાડી ચલાવતા નબીરાઓના પાપે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનેલા અકસ્માતમાં સાજન ઉર્ફે સન્ની પટેલ નામના વ્યક્તિએ બીઆરટીએસ રુટમાં 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા થવા પામી હતી.

20 ફૂટ સુધી લોકોને કારમાં ઢસડ્યા
કાર ચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈક ચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો.તો બીજી તરફ અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર ચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

કારચાલક નશાની હાલતમાં હતો
સુરતમાં કાપોદ્રા પીઆઇ એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, કાર ચાલક દારૂના નશામાં હોવા અંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ ચાલી રહી છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

ક્યાં સુધી નબીરાઓ બેફામ વાહનો હંકારશે ?
આ અકસ્માતમાં ઈજા પામેલા કિશન હિરપરાના પિતા અશ્વિનભાઈએ કહ્યું કે, મારો દિકરો એટીએમમાંથી નાણાં ઉપાડી પરત ઘરે ફરી રહ્યો હતો એ વખતે આ કાર ચાલકે તેને અડફેટે લીધો હતો. આ કાર ચાલક દારૂના નશામાં હતો. હાલ મારા દીકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ત્રણ જેટલા ઓપરેશન આવે એમ છે. તેના હાથમાં ઇજા થઇ છે. જ્યારે એક પગ ભાંગી ગયો છે. તેની સાથે રહેલા યશ ઘેવરીયાને પણ ઇજા પહોંચી છે.સળગતા સવાલો એ છે કે,રાજ્યમાં કયા સુધી નબીરા બેફામ બનીને કાર ચલાવતા રહેશે? નબીરાઓ પર અંકુશ લાવવામાં પોલીસનો પન્નો ટૂંકો કેમ પડે છે? શું પોલીસ આ મામલાને ગંભીરતાથી લેશે કે કેમ? કારણ કે અગાઉના દરેક કેસમાં આપણે જોયુ છે કે અમીર બાપની ઓલાદો અકસ્માત સર્જે નિર્દોષ લોકોનો જીવ લઈ લે અને ત્યારપછી તેમના પિતાની રાજકીય વગના આધારે છૂટી જવામાં સફળ પણ રહેતા હોય છે. અથવા તો પોલીસના પક્ષથી જાણી જોઈએને એવી કલમો ઉમેરવામાં આવતી હોય છે જેમાં સરળતાથી છટકબારી પણ મળી જાય. ખેર, આપણે તો આશા જ રાખીએ કે તમામ આરોપીને યોગ્ય સજા અને ભોગ બનનારને યોગ્ય ન્યાય મળે.