અમરેલીઃ આઝાદીના દાયકાઓ પછી પણ અમરેલીને જોઈતી પ્રાથમિક સુવિધાઓ હજુ પણ પ્રાપ્ત થઈ શકી નથી.ભવિષ્યમાં બ્રોડગેજની સુવિધા મળે તે માટે કામગીરીનો પ્રારંભ તો થઈ ગયો છે. પણ નાણાંની ફાળવણીમાં પંચવર્ષીય યોજનાની જેમ ભંડોળ ફાળવાતુ નથી. તો બીજી તરફ કામગીરીનો તો કોઈ અતોપતો જ નથી. અમરેલી જિલ્લામાં થોડા સમયથી સોશિયલ મીડિયા મારફતે બ્રોડગેજ લાવવા માટે અભિયાન શરૂ થયું છે. અમરેલી શહેરને બ્રોડગેજનો લાભ મળે તેમ જ અમરેલી શહેરમાંથી સુરતને જોડતી ટ્રેનનો પણ લાભ મળે એ માટે વહીવટી તંત્ર અને રેલવે વિભાગને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમરે અમરેલીવાસીઓના આ આંદોલનને સમર્થન આપ્યું છે. પોતે રુબરુ પહોંચી શકે તેમ નથી છતાં પણ વીડિયોના માધ્યમથી લોકોને સમર્થન જાહેર કર્યું છે.
બ્રોડગેજનું કામ ચાલુ જ નથી થયું
અમરેલી જિલ્લામાં અન્ય વિસ્તારોમાંથી બ્રોડગેજ પસાર થાય છે પરંતુ જિલ્લા મથક અમરેલી શહેરને હજુ સુધી બ્રોડગેજનો લાભ મળ્યો નથી અને 2013માં આ માટેની મંજૂરી આપી દેવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી અમરેલી શહેરને જોડતી લાઇનનું બ્રોડગેજનું કામ ચાલુ થઈ શક્યું નથી.આ આંદોલન અંગેની રણનીતિ ઘડી કાઢવા માટે અમરેલી શહેરમાં રેલવે સ્ટેશન ખાતે અમરેલી શહેરના આંદોલન સાથે જોડાયેલા આગેવાન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને તેમાં સમગ્ર કાર્યક્રમની રણનીતિ નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર આંદોલનના કાર્યક્રમ માટે જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે. શરૂઆતમાં અમરેલીના કલેકટર, સાંસદ વગેરેને રેલી સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે ત્યાર પછી પછી આંદોલનને વધારે વેગ બનાવવા માટે જરૂરિયાત મુજબ જંગી જાહેર સભા અમરેલી શહેર બંધ ઉપવાસ આંદોલન રેલ લોકો કાર્યક્રમ વગેરેની જાહેરાત કરવામાં આવશે.લોકોની આ લડતને વિરજીભાઈ ઠુંમરે ટેકો જાહેર કર્યો છે. તેમણે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરવાની ખાતરી પણ આપી છે.
વિરજીભાઈ હંમેશા અમરેલીની જનતા સાથે છે
દિલ્હીમાં બેઠા-બેઠા એક વીડિયો સંદેશના માધ્યમથી કોંગ્રેસ નેતા વિરજી ઠુંમરે કહ્યું કે, અમરેલની ચિંતા કરનાર અમરેલીના ગ્રુપે બ્રોડગેજ અમરેલીમાં આવે તે માટે જે જાગૃતિ અભિયાન શરુ કર્યું અને જે ચળવળ શરુ કરી છે તેને હું ટેકો જાહેર કરું છું. અમરેલીના સાંસદ તરીકે 2007માં બ્રોડગેજમાં રુપાંતર કરાવ્યું. 2009ની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે મારા ધર્મપત્ની ચૂંટણી લડ્યા હતા. જીવરાજ મહેતા ગ્રુપમાં ત્યારે મારા પાસ્ટમાં મે કહ્યું હતું કે, જો અમરેલીની જનતા મારા ધર્મપત્નીને તક આપશે અને એ ચૂંટાશે તો જીવરાજ મહેતાના સ્વપ્નનું અમરેલી બનાવવાના અમે તમામ પ્રયાસો કરીશું પરંતુ તેમાં અમે નિષ્ફળ ગયા હતાં. ત્યારે અમરેલીમાં આ ગ્રુપે જે જંગ શરુ કરી છે તેને હું ટેકો જાહેર કરુ છું.
દિલ્હી મુકામે હોવાથી રુબરુ પહોંચી શકુ તેમ નથી પણ મારુ સમર્થન જાહેર કરું છુ. પિયુષ ગોયલને પણ મળવાનો છુ. સુરતના સાંસદ દર્શના જરદોશને અવાર-નવાર મળ્યો છું. હજુ પણ મળીને તેમને રજૂઆત કરવાનો છું. લાઠીથી ખીજડીયાથી અને જેતલથી પણ રોજે-રોજની અમદાવાદ આવવા જવાની ટ્રેન મળે તે માટે મહેનત કરુ છુ. સારી ટ્રેનની સુવિધા મળે તે માટે પણ પ્રયત્નશીલ છું.વિરોધ પક્ષે હોવાથી જનતાને ખાતરી નથી આપતો શક્તો પણ જનતાને ચિંતા તો છે જ. ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ ચૂંટીને કામ કરવાની તક આપી ત્યારે જે રીતે રસ્તાની સુવિધા હજુ પણ અમરેલીની સુવિધાને પ્રાધાન્ય આપવાની મારી તૈયારી છે. અમરેલીની જનતાને અભિનંદન આપુ છુ કેમ કે તમે જાગૃત થયા. કહેવત છે કે જાગે તેને તેને પાડી મળે છે અને સુઈ જાય તેને પાડો મળે છે. જે સુઈ ગયેલાને ભલે પાડો મળે પણ તમે જાગ્યા છો એટલે અમરેલીનું સ્વપ્ન ફરી સાકાર થશે. જે કઈ ઘટે તે કરવા માટે અમે તૈયાર છીએ. કોંગ્રેસ પક્ષ અમરેલીની જનતાની સાથે છે. અને હુ પણ વ્યક્તિગત રીતે જનતાની સાથે છું. અમારુ આખુ ગ્રુપ અને કોંગ્રેસના સિદ્ધાંતોને માનનારા તમામ લોકો અમરેલીને આ સુવિધા મળે તેના માટે તત્પર છે.







