બિઝનેસ ડેસ્ક: અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં ભારે કમબેક કર્યું છે. મંગળવારે પરિણામોની જાહેરાત કરતા કંપનીએ કહ્યું કે જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 82.57 ટકા વધ્યો છે. આ તેજી બાદ અદાણી પોર્ટ્સનો નફો રૂ. 2,114.72 કરોડ પર પહોંચી ગયો છે. જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1,158.28 કરોડનો નફો કર્યો હતો.
અદાણી માટે ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્લેષકોએ આશા વ્યક્ત કરી હતી કે કંપનીનો નફો 70 ટકા સુધી વધી શકે છે. પરંતુ જૂન ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા સારા દેખાઈ રહ્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 23.51 ટકા વધીને રૂ. 6,247.55 કરોડ થઈ છે.
ગયા વર્ષે કર્યો હતો આટલો નફો
ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 5,058.09 કરોડ હતો. અદાણી પોર્ટ્સે FY24 માટે 370-390 મિલિયન ટન કાર્ગો વોલ્યુમ માટે માર્ગદર્શન આપ્યું છે. કંપનીને રૂ. 24,000-25,000 કરોડની આવક અને રૂ. 14,500-15,000 કરોડના EBITDAની અપેક્ષા છે.
આ પણ વાંચો: FASTag આવતા ટોલ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો કેટલું છે એક મહિનાનું કલેક્શન
અદાણી પોર્ટ્સની કોન્સોલિડેટેડ ઓપરેશનલ આવક વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 6,248 કરોડ થઈ છે. અદાણી પોર્ટ્સે જણાવ્યું હતું કે તેના પોર્ટ બિઝનેસનું EBITDA માર્જિન 150 bps વધીને 72 ટકા થઈ ગયું છે. કાર્ગો વોલ્યુમમાં વધારો અને અસ્કયામતોમાં ઘટાડાને કારણે લોજિસ્ટિક્સ બિઝનેસનું EBITDA માર્જિન 150 bps વધીને 28 ટકા થયું છે.







