લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યાર બાદ હવે ભાજપના બે ઉમેદવારોએ પીછે હઠ કરી છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે આ વખતે સતત ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપી છે. જોકે રંજનબેન ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ભારે વિવાદ થયો છે. જે બાદમાં હવે આજે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટે જણાવ્યું કે, મારા લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, PM મોદીએ મને 10 વર્ષ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સાથે હાલમાં ચાલતા વિવાદોને લઈ તેમણે કહ્યું કે, મારા વિશે જે ચલાવવામાં આવ્યું તે ખોટું છે. તેમણે કહ્યું કે, વિવાદ ચાલું રહે તેના કરતા ચૂંટણી ન લડવી સારી. વડોદરાના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી છે. આ તરફ હવે બનાસકાંઠાના ઉમેદવારને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.

ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો બદલવાની ચર્ચા વહેતી થઈ હતી. તેમાં પણ વડોદરામાં રંજન ભટ્ટ સામે આંતરિક વિરોધ સામે આવ્યો હતો. તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગી સામે આવી. ત્યારથી જ ભાજપમાં કેટલાક બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતું. રંજનબેન ભટ્ટે સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એની ગણતરીની મીનિટોમાં સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. હવે કોનો વારોએ ભાજપમાં ચર્ચાનો વિષય છે. રાજકીય ચર્યાઓ એવી છે કે આ બેઠકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા અને વલસાડ બેઠકને લઈને પણ ચર્ચાઓ થઈ છે.