ભારતીય ક્રિકેટ ટીમને આવતા મહિને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટી20 વર્લ્ડ કપ 2024 રમવાનો છે. જે બાદ ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઈ શકે છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડની જગ્યાએ નવા કોચ આવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

બીસીસીઆઈએ સોમવારે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી. આ ઉપરાંત ભારતીય બોર્ડે પણ નવા કોચ માટે અરજીઓ મંગાવી છે. હાલ રાહુલ દ્રવિડ ભારતીય ટીમના કોચનું પદ સંભાળી રહ્યા છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે
BCCIએ દ્રવિડને ODI વર્લ્ડ કપ 2023 સુધી કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ તે પછી ભારતીય બોર્ડે દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવ્યો હતો. આ વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાની હેઠળ રમાશે. પરંતુ આ પહેલા પણ BCCIએ નવા કોચની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમણે અરજીઓ માટેની છેલ્લી તારીખ (સાંજે 6 વાગ્યા સુધી) 27 મે નક્કી કરી છે.

જો કે, BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે જો રાહુલ દ્રવિડ પોતાનો કાર્યકાળ વધારવા માંગે છે તો તે આ પદ માટે ફરીથી અરજી કરી શકે છે. તેમની અરજી પર વિચાર કરવામાં આવશે.

નવા કોચનો કાર્યકાળ આગામી વર્લ્ડ કપ સુધી રહેશે.
તાજેતરમાં જ મુંબઈમાં બીસીસીઆઈ હેડક્વાર્ટરમાં જય શાહે કહ્યું હતું કે, ‘અમે આગામી થોડા દિવસોમાં અરજીઓ આમંત્રિત કરીશું, રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂનમાં પૂરો થઈ રહ્યો છે. જો તે ફરીથી અરજી કરવા માંગે છે, તો તે કરી શકે છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ જેવા કોચિંગ સ્ટાફ નવા કોચ સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવશે.

નવા મુખ્ય કોચનો કાર્યકાળ આગામી 3 વર્ષ એટલે કે ODI વર્લ્ડ કપ 2027 માટે રહેશે. આ વાત ખુદ જય શાહે પણ સ્પષ્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે નવા મુખ્ય કોચને 2027 ODI વર્લ્ડ કપ સુધી ચાર્જ સંભાળવાની ઓફર કરવામાં આવશે.