અમરેલી: અમરેલી જિલ્લામાં રેલવે લાઈન ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહો માટે જોખમી છે .હજુ થોડા દિવસ પહેલા જ રાજુલાના ઉચૈયાં ગામે રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે 1 સિંહનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. સાવરકુંડલાના ગાધકડા રેલવે ટ્રેક પર સિંહ આવી ચડયા હતા. ત્યાર બાદ આજે સાવરકુંડલામાં જીરા સ્ટેશન ફાટક નંબર 50 પર 4 માસનું સિંહબાળનું ટ્રેનની અડફેટે ચડતા મોત થયું છે.
અમરેલી જિલ્લામાં સિંહ અનેક વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારે હવે જંગલ બાદ લોકોની વસાહતો તરફ પણ સિંહો જોવા મળી રહ્યાં છે. ત્યારે માનવ વસાહતમાં સિંહોના અનેક વખત આંટાફેરા જોવા મળે છે. જેના કારણે લોકોના જીવ પર જોખમ વધ્યું છે. આજે ભાવનગર-મહુવા પેસેન્જર ટ્રેઈન અડફેટે વધુ એક સિંહબાળનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. 3 સિંહબાળ સાથે માતા સિંહણ રેલવે ટ્રેક પર આવી જતા 1 સિંહબાળનું મોત થયું છે. જ્યારે 2 સિંહબાળ અને માતા સિંહણનો બચાવ થયો છે.
વન વિભાગ ઘટના સ્થળે
4 માસનું સિંહબાળ કપાઈ જતાં પેસેન્જર ટ્રેન રોકી દેવામાં આવી હતી. બીજી તરફ સિંહ બાળ કપાઈ જતા સિંહણ રેલ ટ્રેક આસપાસ રઘવાઈ બની હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સાથે આર.પી.એફ. ઘટના સ્થળે પહોંચ્યા હતા.
10 દિવસમાં ટ્રેનની અડફેટે બીજું મોત
અમરેલી જિલ્લામાં ગઈ 21 તારીખના રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર 4 સિંહો ટ્રેક પર આવી જતા ગુડ્સ ટ્રેનની અડફેટે 1 સિંહનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય એક સિંહ ઘાયલ થયો અન્ય 2 સિંહો બચી ગયા ગયા હતા. ત્યારબાદ ઘાયલ સિંહનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ત્યારે આજે ફરી એક વખત ટ્રેનની અડફેટે સિંહનું મોત થયું છે.
સિંહો 26 જુલાઇના પણ આવ્યા હતા રેલવે ટ્રેક પાસે
ગત 26 જુલાઇના સાવરકુંડલાના ગાધકડા રેલવે ટ્રેક પર સિંહ આવી ગયાની માહિતી પ્રાપ્ત થતા જ ટ્રેકર ડાયાભાઈ અને મેરુભાઈ તાત્કાલિક રેલ્વે ટ્રેક આગળ ગોઠવાઈ ગયાને વન વિભાગના અધિકારી પ્રતાપભાઇ ચાંદુ, ફોરેસ્ટર યાસીન ઝુણેઝા અને પી.સી. થડેસાને જાણ કરી હતી. જે બાદ વનવિભાગનો આખો સ્ટાફ ગાધકડા રેલ્વે ટ્રેક પર પહોચ્યો હતો અને 11.17 મિનિટે માલગાડી ટ્રેઈન આવતા વનવિભાગે ટ્રેઈન ઊભી રખાવી દીધી હતી અને સિંહને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા. બાદમાં માલગાડી ટ્રેઈન રવાના કરી . એટલું જ નહીં સિંહોને રવાના કર્યા બાદ પણ સતત આ રેલવે ટ્રેક પર સિંહોનો કોરિડોર હોવાથી વનવિભાગ આખી રાત ખડેપગે રહ્યો હતો.







