સરકાર જનતા માટે અનેક યોજનાઓ તૈયાર કરે છે. પરંતુ અનેક લોકો યોજનાઓ પર પાણી ફેરવી નાખે છે. ત્યારે ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ (NFSA) ના કાર્ડ ધારકો છે, જેઓ રાજ્ય સરકારનાં સસ્તા અનાજનો લાભ મેળવે છે. જો કે, ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે.

રાજ્યમાં એક બાદ એક અનેક વિવાદો સામે આવે છે. અનેક કૌભાંડીઓના કૌભાંડ સામે આવે છે. આ દરમિયાન ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે, રાજ્યમાં આશરે 700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી.જેને લઈ સરકાર એક્શન મોડમાં આવી છે.

દુકાનદારોની પુરાશે હાજરી
અનેક ફરિયાદોને લઈને હવે દુકાનદારની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. આ નિર્ણયથી રાજ્યના 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે.