લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરી પાનો ચઢાવ્યો હતો. પરંતુ એ પહેલા સંસદમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને ભાજપને પડકાર ફેંકતા કહ્યું હતું કે, લખીને લઈલો ગુજરાતમાં અમે ભાજપને હરાવીશું. રાહુલ ગાંધીના આ નિવેદન પછી ગુજરાત કોંગ્રેસમાં જાણે પ્રાણ પૂરાયા અને ગુજરાત કોંગ્રેસ સક્રિય થઈ છે. કોંગ્રેસ ગુજરાતમાં કમબેક કરી શકશે કે નહીં એ તો સમય બતાવશે પણ રાહુલ ગાંધીનો ગોલ દાયકા પછી પાર પડશે એવું લાગી રહ્યું છે. 2017મા ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીનો સિંહફાળો હતો. હવે રાહુલ ગાંધી પોતાનો એ જાદુ ગુજરાતમાં ફરી ચલાવવામાં માંગેછે. વિપક્ષ સારી રીતે જાણે છે કે જો ભાજપને પછાડવી હશે તો તેના ગઢ ગુજરાતમાં વાર કરવો પડશે.

છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનો દબદબો છે. હવે એ ભાજપનો ગઢ બની ગયો છે. કોંગ્રેસમાં નેતા,સંગઠન કે કાર્યકરોના ઠેકાણા નથી. કેટલાય જિલ્લાઓમાં સંગઠન, ઓફિસ અને નેતાઓનો પણ અભાવ છે. પણ એક હકીકત એ પણ છે કે, ગુજરાતમાં આજે પણ 32 ટકા મતદારો કોંગ્રેસને મત આપે છે પણ ભાજપની સંગઠન શક્તિ તરફ આ વોટબેંક વામણી પૂરવાર થાય છે. ગુજરાતીઓ માટે પણ કોઈ વિકલ્પ ન હોવાથી ભાજપ ગુજરાતમાં વન વે જીતી રહ્યું છે.

કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે અને કોંગ્રેસનો ભાર ખભે વેંઢારીને નેતાઓને એક કરી શકે તેવો કોઈ મજબૂત નેતા નથી. દરેક પોતાની રીતે પ્રયાસો કરે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ફેરફાર કરવો હશે તો ફોકસ વધારવું પડશે. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે ઉત્તર ગુજરાતમાં હજુ પણ કોંગ્રેસ તરફી વાતાવરણ છે. સૌરાષ્ટ્રમાં ફેરફાર થઈ શકે છે અને આદિવાસી બેલ્ટને પ્રાધાન્ય અપાય તો ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી શકે છે. કોંગ્રેસે હવે અત્યારથી ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે.

કોંગ્રેસના કદાવર નેતા જિગ્નેશ મેવાણી છેલ્લા દોઢ મહિનાથી સૌરાષ્ટ્રમાં હતા. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે મધ્ય અને દક્ષિણમાં ભાજપના કોંગરા ખેરવવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે. એટલે પહેલાં કોંગ્રેસ જ્યાં મજબૂત હતી એ વિસ્તારોને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા છે. નેતાઓ એક્ટિવ થયા છે પણ ક્યાં સુધી એક્ટિવ રહેશે તે કહેવું મુશ્કેલ છે.

રાહુલ ગાંધી કદાચ ગુજરાતમાં ન્યાયયાત્રા કાઢી શકે છે. કોંગ્રેસ સક્રિય તો થઈ છે પણ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવો પ્રભાવ પાડે છે એ તરફ સૌની નજર છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ બંને દિવસ તેઓ મહિસાગર અને દાહોદમાં છે તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બે દિવસના ગુજરાત પ્રવાસે છે તો શક્તિસિંહ ગોહિલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. અહીં એક કહેવત ફીટ બેસે છે એક ખેંચે સીમ ભણી અને બીજો ખેંચે ગામ ભણી… આમ કોંગ્રેસના નેતાઓ જ ભાજપને ગુજરાતમાં ઉત્તમ તક આપી રહ્યા છે.

વાસનિક દાહોદ અને મહીસાગરમાં કોંગ્રેસ સંગઠન બેઠકોમાં ભાગ લેશે. અમદાવાદ પહોંચેલા મુકુલ વાસનિકનું કોંગ્રેસ સંગઠનને લઇ નિવેદન આવ્યું છે કે લોકસભા પૂર્વે શક્તિસિંહ ગોહિલની નિમણૂક થઈ ત્યારે તાત્કાલિક બદલાવ નહીં કરવા નિર્ણય લેવાયો હતો. હવે સંગઠનમાં જે બદલાવ જરૂરી છે એ કરવામાં આવશે. દરેક જિલ્લામાં મળી સંગઠન અંગે નિર્ણય લેવાઈ રહ્યા છે. સંગઠનમાં જ્યાં જે પ્રકારના બદલાવની જરૂર હશે ત્યાં કરવામાં આવશે. આમ કોંગ્રેસ સંગઠનમાં પણ મોટો ફેરફાર કરે તો પણ નવાઈ નહીં.