મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ ધારી તાલુકોના નાગધ્રા ગામે આવેલી મોટી નદી પરનો સ્ટેટ સિંચાઈ વિભાગનો મહત્વપૂર્ણ ચેકડેમ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. ચેકડેમમાં તૂટફૂટના કારણે દર વર્ષે કરોડો ગેલન પાણી વેડફાઈ જતું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડતું હતું. હવે ચોમાસા પહેલા ચેકડેમનું રીપેરિંગ પૂર્ણ થતાં ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
આ ચેકડેમમાં વિશાળ પ્રમાણમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. રીપેરિંગ બાદ હવે અહીં મોટા પાયે પાણી સ્ટોરેજ શક્ય બનશે, જેનાથી ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે અને ભૂગર્ભ જળસ્તર વધવામાં પણ મદદ મળશે.
આ સમગ્ર કામગીરી માટે સ્ટેટ સિંચાઈ વિભાગની હિરેન વાંઝા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન મુજબ ધારીના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ કણજારીયા તથા તેમની ટીમે સ્થળ પર સર્વે કરી એસ્ટીમેન્ટ તૈયાર કરીને સરકારમાં મોકલ્યું હતું. સરકાર તરફથી મંજૂરી મળતા જ તાત્કાલિક ધોરણે ચેકડેમ રીપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું.
ચેકડેમનું કામ પૂર્ણ થતાં હવે આવનારા ચોમાસામાં પાણીનો મોટો જથ્થો સંગ્રહિત થશે, જેનાથી નાગધ્રા સહિત આસપાસના વિસ્તારોના ખેડૂતોને સીધો લાભ મળશે. ગામના ગ્રામજનોમાં પણ આ વિકાસકાર્યને લઈને ભારે હર્ષ જોવા મળી રહ્યો છે.
નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ કણજારીયા સાથે થયેલી ટેલીફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ધારી તાલુકાના મોટાભાગના ચેકડેમોને રીપેરિંગ માટે અગ્રતા આપવામાં આવશે. સરકારનો “વહેતું જતું પાણી અટકાવવાનો” સંકલ્પ સાકાર કરવા માટે સ્ટેટ સિંચાઈ વિભાગ સતત પ્રયત્નશીલ રહેશે.







