રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ સતત વરસી રહ્યો છે અને ગુજરાત પર કહેર વર્તાવી રહ્યો છે. વડોદરા, રાજકોટ, જામનગર અને કચ્છમાં તો મેઘરાજાએ તારાજી વર્તાવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા દિવસમાં વરસાદના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ક્યાં અપાયું રેડ-ઓરેન્જ એલર્ટ
આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી થછે. જો કે પાછલા બે દિવસની સરખામણીમાં આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે આજે કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગીરસોમનાથમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ પોણા 12 ઈંચ વરસાદ નોંધાયો. તો કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો. દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ વરસાદ પડ્યો. કચ્છના લખપતમાં નવ ઈંચ વરસાદ નોંધાયો. જામજોધપુરમાં પોણા નવ ઈંચ વરસાદ નોંધાયો. આમ, રાજ્યના 8 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના 20 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદની સ્થિતી અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. 28 મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.