Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આ અગ્નિકાંડમાં ગેમ ઝોનની જે ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલું હતું તે હજુ પણ યથાવત છે. જો આ પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ આગમાં ફાટી હોત તો કદાચ અત્યારે મૃત્યુઆંક બમણો હોત. જી હા…રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુઆંક 24 પર પહોંચ્યો છે, પરંતુ જો પેટ્રોલ-ડીઝલ ભરેલી ગાડીઓ ફાટી હોત તો કદાચ 50થી વધારે લોકોના મોત થયા હોત.
રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં જનરેટર માટે 2 હજાર લીટર ડીઝલ ભરીને રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગો કાર રેસિંગ માટે દોઢ હજાર લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. EXIT અને ENTRY માટે માત્ર 6થી 7 ફૂટનો એક જ દરવાજો હતો. એટલે કે લોકોને બચવા માટે કોઈ રસ્તો જ મળ્યો નથી. આ સાથે જ એ જાણકારી પણ મળી રહી છે કે TRP ગેમઝોનમાં 99 રૂપિયામાં એન્ટ્રી આપવામાં આવતી હતી. આ સ્કીમ માત્ર આજના દિવસ માટે રાખવામાં આવી હતી. જેના કારણે બાળકો સાથે માતા-પિતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ પણ ચાલી રહ્યું હોવાનો પણ ખુલાસો થયો છે.
નિર્દોષ ભૂલકાં અને સગીરોના મોત બાદ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. નિર્દોષ બાળકો અને વાલીઓ જીવતાં સળગી જતાં મોતને ભેટ્યાં છે.જ્યારે કે બીજી ખબર એ મળી રહી છે કે આગ લાગતાં જ TRP ગેમઝોનનો સમગ્ર સ્ટાફ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જી હા.. આખેઆખો સ્ટાફ લોકોને મરતા મૂકીને ફરાર થઈ ગયો હતો.







