ગુજરાત માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે.

આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે 53 લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં. અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતા પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાય ધોરણ મુજબ ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. એટલું જ નહીં, ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. તદઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે.મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની ઓનલાઇન અરજી કરવા માટે ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે

ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.