આજે ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યુ છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરેશ ધાનાણીએ જણાવ્યુ છેકે, રૂપાણીને અધવચ્ચે રાજીનામુ અપાવ્યાનું મને અત્યંત દુખ છે. ભાજપે પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે માત્ર ચહેરો બદલ્યો છે નીતિ અને રીતિ બદલી નથી.મુખ્યમંત્રીનું રાજીનામુ એટલે ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઇનો એકરાર. મને લાગે છે કે મુખ્યમંત્રીનું રાજીનામુ સત્તા અને સંગઠન વચ્ચે સંઘર્ષનું પ્રતિબિંબ છે.

મુખ્યમંત્રીનું રાજીનામુ ભાજપની તમામ મોરચે નિષ્ફળતાનો એકરાર છે. રૂપાણી સરકાર તો રિમોટ કંટ્રોલથી ચાલતી હતી પણ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સીધા જવાબદાર છે. જ્યારે ગુજરાતમાં આરોગ્ય સુવિધા ઉભી કરવાની જરૂરીયાત હતી ત્યારે તાલી અને થાળીવગાડવામા રૂપાણીને વ્યસ્ત રાખનારી ભાજપની સરકારે ગુજરાતમાં અંદાજિત 3 લાખ કરતા વધુ લોકોને મોતના મુખમાં ધકેલ્યા અને કદાચ આ ગુજરાતની જનતાના ગુસ્સાએ મુખ્યમંત્રીનો ભોગ લીધો છે. વિતેલા 20 વર્ષમાં ભય,ભ્રમ અને ભ્રષ્ટાચારની રીત રસમોથી સતત સત્તા ટકાવી રાખનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીથી જ્ઞાતિવાદ અને કોમવાદથી ભાગલા પડાવાનું ષડયંત્ર રચાશે તેવી મને આશંકા છે તેમ વિપક્ષ નેતા પરેશ  ધાનાણીએ જણાવ્યુ છે.