લોકસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે  આજે આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદીએ જૂનાગઢમાં જાહેરસભા ગજવી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.PM મોદીએ જય ગીરનારી સાથે સંતોના ચરણોમા વંદન કરી સંબોધન કરતા જણાવ્યું કે,અમે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કરી પણ કોંગ્રેસ કહે છે કે, અમે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીશું. જે કામ સરદાર સાહેબનું અધુરુ રહી ગયુ તે ગુજરાતના તમારા સેવકે પુરુ કર્યુ છે.

PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાહી પરિવાર અને શહજાદાને ચેલેન્જ આપુ છું કે, તેઓ હિંમત સાથે દેશવાસીઓ સમક્ષ આવીને કહે કે, તે ધારા 370 ફરી લાગુ કરશે. હું પણ જોવુ કે બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કરવાની તેમનામા કેટલી તાકાત છે? કોંગ્રેસ દેશમાંથી ન તો કલમ 370 અને ન તો CAA દૂર કરી શકશે. કોંગ્રેસના સાંસદ દક્ષિણ ભારતને અલગ કરવાની વાતો કરે છે. કોંગ્રેસને વિભાજનની માનસિકતા વિરાસતમાં મળી છે. કોંગ્રેસી છે જેને સત્તા માટે દેશનું વિભાજનનો પણ સ્વીકાર કરી લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ગુજરાત માટે નફરત છે અને જો કોંગ્રેસ સત્તામાં આવી તો દેશ અને ગુજરાત માટે ખતરનાક સ્થિતિ ઉભી કરશે. ભારત સરકાર પાસે માહિતી નહતી કે, ભારત પાસે કેટલા દ્રીપ છે. મારી સરકારે સેટેલાઇટથી સર્વે કરાવ્યો અને દેશની આજુબાજુ 1300 થી વઘારે દ્રીપ છે. જેમા કેટલા દ્રીપતો સિગાંપુરથી પણ મોટા છે. હું આવા દ્રીપને વિકસીત કરવાનુ કામ કરીશ.

કોંગ્રેસનું ચાલતુ તો હિમાલયનો પણ સોદો કરી શકે. કોંગ્રેસ જયાં સુધી સત્તામાં રહી દેશની સુરક્ષા દાવ પર લાગી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસ વાળા મોહબ્બતની દુકાન ખોલી ફરજી માલ વેચે છે. કોંગ્રેસ તેનો નકાબ ઉતારી અસલી રંગમા આવી ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામા રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનુ નિમંત્રણ ફગાવ્યુ. કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ છે કે, તેમનો હેતુ ભગવાન રામને હરાવવાનો છે. સમાજમાં ભાગલા પાડવાનુ કામ કોંગ્રેસ કરે છે. કોંગ્રેસે આ ચૂંટણી લોકતંત્રની નહી પણ ભગવાન રામ સામે લડવાની ચૂંટણી બનાવી છે. ભગવાન રામને હરાવી તે કોને જીતાડવા માગે છે તે કોંગ્રેસ જણાવે. કોંગ્રેસ માટે ચૂંટણી જીતવાનો નહી પણ તેનો વજુદ બચાવવા લડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તફાવત સ્પષ્ટ છે કે, કોંગ્રેસ માટે તુષ્ટીકરણ બધુ છે ભાજપ માટે સંતુષ્ટીકરણ બધુ છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પણ હથેળીમા ચાંદ બતાવવા જેવી વાત છે.