અમદાવાદઃ દેશમાં વધી રહેલી બેરોજગારીથી આજના યુવાનો સૌથી વધુ ચિંતિત છે. યુવાનો માને છે કે આજે તેમના માટે સૌથી મોટી સમસ્યા અભ્યાસ બાદ નોકરી શોધવાની છે. પહેલાની સરખામણીમાં આજે નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. તેનું મુખ્ય કારણ છે હાલમાં ઓછી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે. તે જ સમયે, માત્ર 5 ટકા યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે વિજ્ઞાનને પસંદ કરી રહ્યા છે. લોકનીતિ-સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ બાબતો સામે આવી છે.શક્તિસિંહ ગોહિલે પૂછેલા સવાલના જવાબમાં સરકારે સ્વીકાર્યું છુ કે, સમગ્ર દેશમાં ઈન્કમટેક્ષ વિભાગમાં 27 હજાર કરતા વધારે જગ્યાઓ ખાલી છે.
દેશમાં 27 હજાર કરતા વધુ જગ્યા ખાલી
બેરોજગારીને લઈને યુવાનો પરેશાન થઈ રહ્યાં છે. ક્યાંક તો નોકરી ન મળવાને કારણે યુવાનો માનસિક તણાવમાં ગરકાવ થઈને આત્મહત્યા કરતા પણ જોવા મળે છે. એવામાં શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પ્રશ્ન ક્ર્માંક 129ના જવાબમાં નાણાંમંત્રીએ સ્વીકાર્યું છે કે, ઇન્કમટેક્ષ વિભાગમાં સમગ્ર દેશમાં 27,564 જગ્યાઓ ખાલી છે. જેમાં સમૂહ ‘ક’ માં 1164, સમૂહ ‘ખ’ (રાજપત્રિત) માં 464 અને સમૂહ ‘ખ’ (અરાજપત્રિત) તથા સમૂહ ‘ગ’ માં 25,936 જગ્યાઓ ખાલી છે. જ્યારે ગુજરાતમાં સમૂહ ‘ક’ માં 104, સમૂહ ‘ખ’ (રાજપત્રિત) માં 10 અને સમૂહ ‘ખ’ (અરાજપત્રિત) તથા સમૂહ ‘ગ’ માં 18 એટલે કે કુલ જગ્યાઓ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જે ખાલી છે તે ખુબ મોટા પાયે છે.
બે કરોડ નોકરીની વાત તથ્ય વિનાની
દેશમાં દર વર્ષે બે કરોડ નવી નોકરીઓ આપવાની વાત ભારતીય જનતા પાર્ટીએ કરી હતી પરંતુ સત્ય એ છે કે દેશમાં બેરોજગારી સતત વધી રહી છે અને તેનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી નોકરીઓમાં ખુબ મોટા પાયે ખાલી જગ્યાઓ રાખે છે. માત્ર એક નાણાં વિભાગના ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં જ ૨૭,૫૬૪ જગ્યાઓ ચાલુ વર્ષમાં જુન મહિનાની પહેલી તારીખે એટલે કે ૦૧ જુન, ૨૦૨૩ની સ્થિતિએ ખાલી છે. તે જ બતાવે છે કે યુવાનોને રોજગારી આપવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી નિષ્ફળ રહી છે તે આ આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે.







