જ્યારે આખુ અમદાવાદ ગાઢ નિંદ્રામાં સુતુ હતુ અને કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે શહેરનો રોજ ધમધમતો બ્રિજ એક રાત્રે મરણ ચિંચિયારીઓથી ગુંજી ઉઠશે. એક સાથે 9 લોકો જીવનભરની ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા અને બગડેલ બાપની ઓલાદ અથવા કહો કે નબીરો પોલીસ જપ્તામાં પણ એવુ કહેશે કે થાય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં થાય. આમ પણ દરેક હાઈપ્રોફાઈલ કેસમાં રાજનીતિક સંબંધોને કારણે આવુ જ થતું આવ્યું છે. ખેર, જે નબીરા તથ્ય પટેલે 9 લોકોને કચડીને મારી નાંખ્યા તેની સામે સોમવારે 5000 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આ સાથે આ આર્ટિકલમાં વાંચો અત્યાર સુધીમાં આ કેસમાં શું પગલા લેવામાં આવ્યા અથવા શું થયું.
ગત બુધવારે (19 જુલાઈએ) મોડી રાત્રે અકસ્માત સર્જીને ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારની અડફેટે 9-9 લોકોને તથ્ય પટેલે કચડી માર્યા હતા. ત્યારબાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યાર બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન 24મી જુલાઈએ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયો હતો. ત્યારે આરોપી તેના પિતા સાથે જેલમાં છે ત્યારે પોલીસે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસ 27 જુલાઈએ 5 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરશે.
નબીરાનું લાયસન્સ કરાયું રદ્દ
બેફામ કાર ચલાવી નિર્દોષ લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ જેને આટલી જિંદગીઓ મરી તેનો લેશ માત્ર પણ અફસોસ નથી. એ નબીરાનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. અમદાવાદ RTOએ ટ્રાફિક પોલીસ પાસે અકસ્માત અને ઓવરસ્પડીંગ સહિતની તમામ વિગદતો માંગી હતી. વિગતો મળતા જ આ નફ્ફટ નબીરાનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.
5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરાશે રજૂ
આરોપી તથ્ય પટેલના કેસની તપાસ હવે પૂર્ણતાના આરે છે. આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે ટ્રાફિક પોલીસ 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરશે. તમામ કાગળો અને તમામ પૂરાવાઓ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તથ્ય પટેલે સર્જેલા અકસ્માતના કેસમાં 308ની કલમ પણ ઉમેરવામાં આવી છે. નામદાર કોર્ટે આ કલમનો ઉમેરો કરવાની મંજૂરી આપી છે. તથ્યનો રિપોર્ટ હાલ મળી ગયો છે. DNA રિપોર્ટ જોઈને પોલીસ તેને કોર્ટમાં સબમિટી કરશે. તથ્યની ગાડીમાંથી વાળ મળ્યા હતા તેની સીટ પરથી જેમાંથી DNA રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તે રિપોર્ટમાં પણ સાબિત થયું છે કે ડ્રાઈવિંગ સીટ પર તથ્ય પટેલ જ હતો. હવે આ નબીરા સામે બરાબરનો ગાળિયો કસાયો છે.
છેક UKથી આવ્યો છે કારનો રિપોર્ટ આવ્યો
ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં. આ સમગ્ર અકસ્માત દરમિયાન કારની કેટલી સ્પીડ હતી, એ જાણવા માટે અલગ-અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી હતી, જેમાં હવે જેગુઆર કારનો યુકેથી રિપોર્ટ આવી ગયો છે. એ રિપોર્ટની અંદર અકસ્માત પહેલાં કારની સ્પીડ 137 પ્રતિ કલાક હતી, જ્યારે કાર લોકો સાથે અથડાઈ ત્યારે એની સ્પીડ રોકાતાં રોકાતાં 108 પ્રતિ કલાક થઈ હતી અને કાર ત્યાર બાદ લોક થઈ ગઈ હતી.
કારના રિપોર્ટમાં આ સામે આવ્યું
આ અકસ્માતમાં કારના રિપોર્ટમાં એવું સત્ય પણ સામે આવ્યું છે કે કાર જ્યારે તથ્ય ચલાવી રહ્યો હતો ત્યારે એનું એક્સિલેટર પૂરું દબાયેલું હતું. એટલું જ નહીં, કારનો અકસ્માત થયો ત્યારે અને એ પહેલાં પણ બ્રેક પર પગ મૂકવામાં આવ્યો નહોતો. કાર ઓટોમેટિક બ્લોક થઈ હતી. કારના અકસ્માત બાદ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે કારની વિઝિબિલિટી સ્પષ્ટ હતી. કારની બ્રેકિંગ સિસ્ટમ પણ બરાબર કાર્યરત હતી.
આરોપીઓ વિરુદ્ધ આ કલમો નોંધાઈ છે
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 આ ઉપરાંત માનવવધ કલમ 304 અને 279 બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ 184 ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને એમાં કોઈનું મોત નીપજતાં કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.







