અમદાવાદઃ રાજ્યમાં ભાગીને પ્રેમલગ્ન કરનાર યુવતીઓને લઈને મહેસાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.આ કેસમાં યુવતીના માતા પિતાની સહીની માંગને લઇ મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, બંધારણ ન નડે અને યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું.સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે. ત્યારે માતા પિતાની સહીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે.
વિરજી ઠુંમરનું સરકારને સમર્થન
લવ મેરેજ મુદ્દે નવો કાયદો બનાવવાની માંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હકારાત્મક વલણ બાદ કોંગ્રેસ પણ સમર્થનમાં આવી છે.કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ સભ્ય વિરજીભાઈ ઠુમરે સરકારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, દીકરા દીકરી લવ મેરેજમાં વાલીની સંમતિ માટે માન મુખ્યમંત્રીએ એક જાહેર કાર્યક્રમમાં આ બાબતનો કાયદો લાવવા માટે ની વાત કરી છે તેને આવકારું છું. 14 મી વિધાનસભાના સભ્ય તરીકે વિધાનસભામાં બિન સરકારી બિલ પણ રજૂ કર્યું હતું અને તે બિલમાં તે વખતે મને આ બાબત સરકાર ગંભીરતાથી વિચારશે તેવી હૈયાધારણ પણ આપેલી હતી.
હાલ સરકાર આ બાબતની વિચારણા કરી રહેલ છે તેની દીકરીઓ પર ભારે મોટી અસર થવાની છે કોઈ દીકરીને લેભાગુઓ સાથે ભાગી જતી અટકશે અને છોકરો પરાણે લગ્ન કરવાની વાત કરશે તો લગ્નની નોંધણી જ નહીં થાય અને તેના કારણે દીકરીઓનું લવજેહાદ જે વાત છે તેમાં પણ ભારે મોટો ફાયદો થશે તેવી ધારાસભ્ય તરીકે મેં વાત કરેલી આજે તે બાબત વિચારણામા આવી તેને ખૂબજ આવકારું છું ઝડપભેર આવતા વિધાનસભા સત્રમાં બિલ લાવવામાં આવે તેવી પણ માન મુખ્યમંત્રીને વિનંતી કરું છું .
ખેડાવાલા પણ આપશે સમર્થન
આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ તેમને સમર્થન કર્યું છે.અમદાવાદના જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું છે કે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર લવ મેરેજ માટે સંમતિની શરત ઉમેરવા માટે વિધાનસભામાં બિલ લાવે તો તેઓ તેને સમર્થન આપશે.
મહેસાણામાં મુખ્યમંત્રી શું બોલ્યા હતા
એક દિવસ પહેલાં જ મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નેજા હેઠળ આયોજિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી કહ્યું હતું કે હું અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવી રહ્યાં હતા ત્યારે અમારી સામે માંગ કરવામાં આવી હતી કે યુવતીઓને ભગાડી લઈ જનારા સામે કંઈ કરવું પડશે. પ્રેમ લગ્નમાં માતા-પિતાની પણ સંમતિ હોવી જોઈએ. આવું કંઈક હોવું જોઈએ. આ કાયદામાં ધ્યાનમાં લેવામાં આવશે, અભ્યાસ કરવામાં આવશે અને શ્રેષ્ઠ પરિણામ લાવશે. ગુજરાતમાં પાટીદાર સમાજની માંગ છે કે લવ મેરેજની નોંધણીમાં આ શરત ફરજીયાત કરવામાં આવે, જેથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે અને લવ મેરેજની સાથે લવ જેહાદના કિસ્સાઓ પણ ઘટી શકે. ગત વર્ષે પાટીદાર સમાજે આ માંગ સૌપ્રથમ ઉઠાવી હતી. જેમાં તેમના હસ્તાક્ષરિત પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ જરૂરી બનાવવાની માંગ કરવામાં આવી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં બ્લડ રિલેશનમાં આવતા સ્વજનોની સહી જરૂરી બનાવવા માંગ કરાઇ હતી. એટલું જ નહીં લવ મેરેજની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની માંગ કરવામાં આવી હતી.







